Navsari|vansda|chikhli: એક એવી શાળા જે બની રહી છે આદિજાતિ યુવતીઓના ઉજ્જવળ કારકિર્દીની માર્ગદર્શક /સારથિ

આદિજાતી યુવતી ભાવિની પટેલ ચીખલી આદર્શ નિવાસી કન્યા શાળામાંથી અભ્યાસ કરી હાલ નવસારી જિલ્લાની મહુવાસ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં તબીબી સેવા આપી રહી છે

આદર્શ નિવાસી કન્યા શાળાના પ્રિન્સીપાલ અને શિક્ષકોના માર્ગદર્શન થકી હું આજે ડોક્ટર બનવાનું સપનું પૂર્ણ કરી શકી છું – ડૉ. ભાવિની પટેલ (M.B.B.S)

નવસારી જિલ્લાની ચીખલી આદર્શ નિવાસી શાળા(કન્યા)ની ૭૮ વિદ્યાર્થીનીઓએ MBBS, BHMS,BAMS તથા વેટનરી જેવા મેડીકલ ક્ષેત્રોમાં પ્રવેશ મેળવ્યો છે

(સંકલન: ભાવિન પાટીલ)

(નવસારી: રવિવાર): યુવાનો પોતાના સપનાને સાકાર કરવા માટે અથાગ પ્રયત્નો કરતા હોય છે, પણ જો તેમને યોગ્ય સમયે સાચો માર્ગદર્શક/સારથિ મળી જાય તો સપના પૂર્ણ કરવામાં કોઈ પરિબળ તેમને રોકી નથી શકતું. વાત છે નવસારી જિલ્લાના ચીખલી તાલુકામાં આદિજાતિ વિકાસ વિભાગ-ગાંધીનગર સંચાલિત આદર્શ નિવાસી કન્યા શાળા જે બની રહી છે દક્ષિણ ગુજરાતના આદિજાતી યુવતીઓના મેડિકલ ક્ષેત્રેના ઉજ્જવળ કારકિર્દી માટેનો સાચો સારથિ. 

           

નવસારીમાં જીલ્લાના ચીખલી તાલુકાની આદર્શ નિવાસી કન્યા શાળામાં ચિખલી, ગણદેવી, વાંસદા, સહિત ધરમપુર, વાપી, પારડી, કપરાડા, વ્યારા, ડોલવણ અને ડાંગથી પણ વિદ્યાર્થીનીઓ પ્રવેશ મેળવી ધો. ૯ થી ૧૨નું શિક્ષણ અને આનુષંગિક તમામ સુવિધાનો લાભ લઇ રહી છે. અહીં અભ્યાસ કરી રહેલ આદિજાતી વિદ્યાર્થિનીઓ શિક્ષકોના અથાગ પ્રયાસો અને માર્ગદર્શનથી મેડિકલ અને એન્જિનિયરિંગ જેવા ક્ષેત્રોમાં ઉજ્જવળ કારકિર્દી તરફ પ્રયાણ કરી રહ્યા છે. શાળાની ભુતપૂર્વ વિદ્યાર્થીની ભાવિની પટેલ જે ડોક્ટર બનાવનું સ્વપ્ન પૂર્ણ કરી શકી છે અને હાલ નવસારી જિલ્લાના વાંસદા તાલુકામાં આવેલ મહુવાસ ગામના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે તબીબી અધિકારી તરીકે સેવા આપી રહી છે. 

          આદર્શ નિવાસી કન્યા શાળા ચીખલીની વિધાર્થીની ડો.ભાવિની પટેલે મેડિકલ ક્ષેત્રમાં કારકિર્દી બનાવવાના સ્વપ્ન અંગે જણાવ્યું હતું કે, અમને શાળામાં ખુબ સારૂ શિક્ષણ આપવામાં આવતું હતું. મારા તથા માત પિતાનું ડોક્ટર બનવાના સપનાનું બીજ અહી રોપાયા હતા. પ્રિન્સીપાલ અને અધ્યાપકોના માર્ગદર્શન અને પ્રોત્સાહનથી જ ધો. ૧૨ બાદ મેડીકલ ક્ષેત્ર માટેની NEET ની પરીક્ષા માટે ગાઇડન્સ તથા સંપૂર્ણ તૈયારી કરાવવામાં આવતી હતી. અહીં શૈક્ષણિક સુવિધાઓની સાથે રહેવા-જમવાની ઉત્કૃષ્ટ વ્યવસ્થા ઉપલબ્ધ છે, જેથી પૌષ્ટિક ભોજન સાથે અમે વધુમાં વધુ સમય અમારા અભ્યાસ પ્રત્યે ધ્યાન આપી શકતા હતા . છાત્રાલયમાં 'નાની નાની રોજીંદા વપરાશની ચીજવસ્તુઓ પણ આપવામાં આવતી હતી, જેના કારણે માતાપિતા પર વધારાનો બોજ પડતો નહતો અને અમે કોઇ પણ પ્રકારની ચિંતા કર્યા વિના ભણવા ઉપર ધ્યાન કેન્દ્રિત કરી અમે પરીક્ષા પાસ કરી શક્યા. 

વધુમાં ડો. ભાવિનીએ જણાવ્યું કે , NEET ની પરિક્ષામાં ઉતીર્ણ થયા બાદ વડોદરા સ્થિત મેડીકલ યુનિવર્સિટીમાં ગવર્મેન્ટ કોટા હેઠળ મારો MBBSની નો અભ્યાસ પૂર્ણ કરી ડોક્ટરની ડિગ્રી મેળવી છે, અને મને ખુબ જ ખુશી થાય છે કે આજે હું નવસારી જિલ્લાના અંતરિયાળ ગામડા એવા મહુવાસ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં તબીબી સેવા આપી રહી છે, જેના મૂળમાં આદર્શ નિવાસી કન્યા શાળા ચીખલીમાંથી મળેલ ભણતર અને સંસ્કાર છે જે મારી કારર્કિદીના ઘડતરમાં ખુબ જ મદદરૂપ થયા છે.

          આ શાળા નિવાસી શાળા હોવાના કારણે વિદ્યાર્થીનીઓને તમામ શૈક્ષણિક સુવિધાઓ આપવામાં આવે છે. જેમ કે, ગણવેશ, ટ્રેક સુટ, મચ્છરદાની, પલંગ, ગાદલા સહિત સાબુ, તેલ જેવી નાની નાની ચીજવસ્તુઓની કાળજી લેવામાં આવે છે.        

છેલ્લા ૦૭ વર્ષમાં ૭૫ જેટલી વિદ્યાર્થીનીઓ તથા ગત વર્ષે આ શાળાના ૧૬ વિદ્યાર્થીનીઓએ મેડિકલ ક્ષેત્રમાં પ્રવેશ મેળવ્યો છે. નવસારી જિલ્લા આદિજાતી વિભાગ હેઠળની ચીખલી આદર્શ નિવાસી શાળાઓમાં ધો. ૯ થી ૧૨ની કન્યાઓનું વિનામૂલ્યે શિક્ષણ અને રહેવા-જમવાની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવે છે, જેમાં અભ્યાસ કરીને વિદ્યાર્થી/ વિદ્યાર્થીનીઓ M.B.B.S./ B.D.S./ B.H.M.S./ Engineering જેવા ઉચ્ચ અભ્યાસક્રમોમાં પ્રવેશ મેળવી ઉજ્જવળ કારકિર્દી તરફ પ્રયાણ કરી રહી છે.       

આદિજાતી યુવાનોના સશક્તિકરણ અને આર્થિક કલ્યાણ દ્વારા વિકાસને કેન્દ્રમાં રાખી રાજય સરકારે વિવિધ કલ્યાણકારી યોજનાઓને પરિણામલક્ષી બનાવવા આદિજાતિ વિસ્તારોમાં પ્રાથમિક જરૂરિયાતો સરળતાથી ઉપલબ્ધ કરાવી છે. જેમાંની એક આદર્શ નિવાસી કન્યા/ કુમાર શાળા છે, જે આ પ્રકારના પ્રકલ્પો સમગ્ર આદિજાતિ સમાજના આર્થિક, સામાજિક અને શૈક્ષણિક વિકાસ માટેનો આધાર બની સર્વાંગી ઉચ્ચત્તમ શિક્ષણ થકી આદિવાસી બંધુઓ માટે નવા આયામો રચી રહ્યા છે.

#TeamNavsari #gujarat #navsari #prideofgujarat #prideofnavsari